ગઝલ (Gujarati Gazals) #4


Back to previous Gujarati Gazals

મારા સ્મરણ પ્રદેશની  લીલાશ છો તમે

ને શુષ્ક શ્વાસમાં ભળી  ભિનાશ છો તમે

માળાની  ઝંખના નથી  મારા  વિહંગને

મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે

કરસનદાસ લુહાર

સૌંદર્યના  એ  પૃથ્થકરણમાં  શું મજા ?

હર કોઈ વિષયમાં તું ગણતરીથી ન જા

એક ફૂલની સુંદરતા ને સૌરભ તો માણ

પાંખડીઓને ગણવામાં નથી કોઈ મજા

સતીષ  ‘નકાબ’


અમસ્તી  કોઈ પણ વસ્તુ  નથી બનતી  જગતમાંહે

કોઈનું   રૂપ  દિલના   પ્રેમને  વાચા  અપાવે   છે

ગઝલ સર્જાય ના ‘કૈલાસ’ દિલમાં દાહ લાગ્યા વિણ

પ્રથમ  ઘેરાય છે  વાદળ,  પછી વરસાદ  આવે છે

જીવવાનું   એક   કારણ  નીકળ્યું

ધૂળમાં  ઢાંકેલું  બચપણ  નીકળ્યું

મેં  કફન  માનીને  લીધું  હાથમાં

એ સુખી માણસનું પહેરણ નીકળ્યું  

તરબતર  આંખોય પ્યાસી  નીકળી

રાતરાણીની     ઉદાસી     નીકળી

તારલા ઊઘડ્યાં ને મળતા આગિયા

ચાંદને   જોવા   અગાસી   નીકળી

એકાદ  એવી યાદ  તો છોડી  જવી હતી

છૂટ્ટા  પડ્યાની  વાતને ભૂલી  જવી હતી

વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે

થોડીઘણી  સુગંધ  તો  મૂકી  જવી  હતી   

ચાંદનીની  રાહ એ  જોતું  નથી

આંગણું   એકાંતને   રોતું  નથી

રાત પાસે આગિયા પણ હોય છે

એકલું  અંધારું  કાંઈ  હોતું નથી

કૈલાસ પંડિત    

પડછાયા ફક્ત તારે નગર રૂબરૂ મળે

લોકો મળે નહીં અને બસ આબરૂ મળે

ઊગે સવાર કંઠમાં લઈ બ્રહ્મરૂપ સ્વર

ને સાંજના ચરણમાં પછી ઘુંઘરું મળે 

હું તું - હતા ને સામે તો સેના ઊભી હતી

કેવો હતો  સમય અને  કેવી ઘડી હતી ?

માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો

તારો જ રથ હતો અને  આ આંગળી હતી               

રઈશ મણિયાર  

સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં

ઘરમાં જ વસું તોય  ભટકતો રહી જાઉં

જો પ્રેમ મળે છે  તો  પ્રતિબિંબની જેમ

પાણીમાં પડું  તોય  હું સુક્કો રહી જાઉં  

ભવભાવથી   ચણેલ   શબ્દના  બંધ  તૂટે

તોપણ  શી  મજાલ  છે કે  કશે  છંદ તૂટે?

જીવનમાં એ સિધ્ધ હસ્તતા ક્યાં છે દોસ્ત?

જાળવવા  છતાં   પણ  અહીં  સંબંધ  તૂટે  

જવાહર બક્ષી  

માર્ગની આ ધૂળને શું ઉન્નતિ કે શું પતન?

સર્વનાં ચરણો તળે ચંપાઈ જાવું એ જીવન.

પાનખરનો અંચળો ઓઢી બહારો કાં રૂએ?

એ ખરે જાણી ગઈ છે મારા જેવાનુંય મન.

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી

અમીરી કોઈ અંતરની  મહાલયમાં નથી હોતી 

શીતળતા  પામવાને  માનવી તું  દોટ કાં મૂકે?

જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી

મેહુલ   

અમર મુક્તકો ( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભાર

સંપાદન: કૈલાસ પંડિત 

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

 



More Gazals