ગઝલ (Gujarati Gazals) #5


Go back to previous Gujarati Gazals


માણસ

                 

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;

પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

                         

ફટાણાંના માણસ, મરસિયાના માણસ;

અમે  વારસાગત  સમસ્યાના  માણસ.  

                 

‘કદી’થી  ‘સદી’ની  અનિદ્રાના માણસ;

પ્રભાતોની  શાશ્વત  પ્રતીક્ષાના માણસ.

                 

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;

સડકવન્ત  ઝિબ્રાતા  ટોળાના  માણસ.

              

શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?

‘ટુ બી-નૉટ  ટુ બી’ની  ‘હા-ના’ના માણસ.

                  

ભરત    કોઈ   ગૂંથતું   રહે    મોરલાનું;

અમે  ટચ્ચ   ટૂંપાતા   ટહુકાના  માણસ.  

                     

મળી   આજીવન  કેદ  ધ્રુવના   પ્રદેશે;

હતા  આપણે  મૂળ   તડકાના  માણસ.  

          

ભગવતીકુમાર શર્મા

જન્મ: સુરત (1934) 

વ્યવસાય: પત્રકારત્વ


આદિલ મન્સૂરી


દિલ ન લાગે કિનારે, તો હું શું  કરું?

દૂર  ઝંઝા  પુકારે,  તો  હું  શું  કરું?

                                      

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,

તું જ એ રૂપ ધારે, તો  હું  શું  કરું?

                                         

હો વમળમાં તો મનને મનાવી લઉં,

નાવ ડૂબે  કિનારે,  તો  હું  શું  કરું?

                                         

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં

કોઈ પાલવ પ્રસારે, તો હું શું  કરું?

                                      

તારી ઝૂલ્ફોમાં  ટાંકી દઉં  તારલાં,

પણ તું આવે સવારે, તો હું શું કરું?

                                        

આદિલ મન્સૂરી

જન્મ કરાંચીમાં, ઉછેર અમદાવાદમાં અને એમની શાયરીની બોલબાલા દિગદિગંતમાં; આદિલ મન્સૂરી પોતાની ઓળખ એક મિસરામાં આ રીતે આપે છે: ધર્મ, ધંધો જન્મ ને જાતિ ગઝલ ; અત્યારે અમેરિકામાં વસે છે, પણ એમનું હ્રદય હજી ભઠિયારગલીમાં ભમતું જોવા મળે છે- ચિનુ મોદી    

સુખનવર શ્રેણી (આદિલ મન્સૂરી) માંથી સાભાર

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની



અદમ ટંકારવી

હું તો  માનું છું  કે હું છું  શાયર

કિન્તુ  ડાર્લિંગ  કહે  છે : લાયર

                                 

સ્હેજ અડતાં જ  શૉક લાગે  છે

લાગણી હોય છે  લાઈવવાયર

                                

અર્થનો  રોડ  છે  ખાબડખૂબડ

ને વળી  ફ્લૅટ  શબ્દનું  ટાયર

                                   

દૂર સહેજે નહિ તો દાઝી જઈશ

ધૅટ  ગર્લ ઈઝ  સ્પિટિંગ  ફાયર

 

ફાસ્ટ ફૂડ  જેવી  ગઝલ  વેચું છું

કિન્તુ ક્યાં કોઈ છે અહીંયા બાયર?

                                    અદમ ટંકારવી


બાગમાં  ક્યાં  હવે  ફરે  છે સનમ

વૅબસાઈટ  ઉપર  મળે  છે સનમ

                                    

ફ્લૉપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો

અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

                                           

મૅમરીમાં  ય  હું  સચવાયો  નહીં

તું મને  સૅઈવ  ક્યાં કરે છે સનમ

                                   

ડબ્લ્યુ  ડબ્લ્યુ  ડબ્લ્યુની   પાછળ

ડૉટ થઈને તું  ઝળહળે છે  સનમ

                                   

આ  હથેળીના  બ્લૅન્ક બૉર્ડ  ઉપર

સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

                                    

શી  ખબર  કઈ  રીતે  ડીકોડ કરું

સિલિકોન ચિપ કશું કહે છે સનમ

                                    

ક્યાં છે  રોમાંચ  તારા  અક્ષરનો

ફક્ત ઈ-મેઈલ મોકલે છે સનમ

                                  

દિલની ધડકન છે સૉફ્ટવૅર હવે

એને ગ્રૅફિકમાં  ચીતરે છે  સનમ

                                    

લાગણી  પ્રૉગ્રામ્ડ  થઈ  ગઈ  છે

ઍન્ટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

                                     

આંખ મારી  આ  થઈ ગઈ  માઉસ

કિન્તુ વિન્ડૉ તો ક્યાં ખૂલે છે સનમ

                                       

અદમ ટંકારવી

ગુજરાતી ભાષાના એક સિધ્ધહસ્ત, પ્રથિતયશ ગઝલકાર; ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામના વતની; વર્તમાનકાળે બ્રિટનના રહીશ; ગુજલિશ ગઝલોના પ્રણેતા.

ગુજલિશ ગઝલોમાંથી સાભાર

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

 

More Gujarati Gazals