અદમ ટંકારવી
બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વૅબસાઈટ ઉપર મળે છે સનમ
ફ્લૉપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ
મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઈવ ક્યાં કરે છે સનમ
ડબ્લ્યુ ડબ્લ્યુ ડબ્લ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ
આ હથેળીના બ્લૅન્ક બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ
શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ
ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઈ-મેઈલ મોકલે છે સનમ
દિલની ધડકન છે સૉફ્ટવૅર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ
લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે
ઍન્ટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ
આંખ મારી આ થઈ ગઈ માઉસ
કિન્તુ વિન્ડૉ તો ક્યાં ખૂલે છે સનમ
અદમ ટંકારવી
ગુજરાતી ભાષાના એક સિધ્ધહસ્ત, પ્રથિતયશ ગઝલકાર; ભરૂચ
જિલ્લાના ટંકારિયા ગામના વતની; વર્તમાનકાળે બ્રિટનના રહીશ; ગુજલિશ ગઝલોના
પ્રણેતા.
ગુજલિશ ગઝલોમાંથી સાભાર
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની
Web: www.rrsheth.com
ગુજલિશ ગઝલ- 1
અહિયા ત્યાં વહેંચાઈ છે
લાગણી એન આર આઈ છે
કોટે વળગી એ રીતે
જાણે કે નૅકટાઈ છે
મારી વાતમાં કેવળ યુ
તારી વાતમાં આઈ છે
તારી લાઈફ ડિસ્કોડાન્સ
ને મારી ભવાઈ છે
છોડ બ્રિટનની વાત અદમ
એ પણ વ્હાઈટ લાઈ છે
ગુજલિશ ગઝલ- 2
ક્વેશ્ચન ટૅગમાં બંધાઈ ગયા
વ્હાય ને વૉટમાં ખોવાઈ ગયા
પહેલાં તો હરપળે હતા હોમસિક
ધીરે ધીરે પછી ટેવાઈ ગયા
છોકરી સાચ્ચે ચીઝકૅક હતી
સહેજ ચાખી અને વટલાઈ ગયા
લ્યો, પીતા થઈ ગયા હલાલ બીઅર
શેખજી કેટલા બદલાઈ ગયા
આઈ ડોન્ટ થિન્ક યુ વિલ ઍવર સી હિમ
ભૂરી આંખોમાં એ ખોવાઈ ગયા
થઈ ગયા આપણે કલર બ્લાઈન્ડ
આ વિલાયતથી લ્યો અંજાઈ ગયા
પેલો ઍરો હજી છૂટ્યો જ નથી
તે છતાં આપણે વીંધાઈ ગયા
ચૅઈસ્ટ ઈંગ્લિશમાં થોડી વાત કરી
બોલતાં બોલતાં ગૂંચવાઈ ગયા
આજ તો એ રીતે શી પોર્ડ ઑન મી
આખેઆખા જુઓ ભીંજાઈ ગયા
આપણે નાઈધર હિઅર નૉર ધૅર
એક વૉઈડમાં ખોવાઈ ગયા
લૂંટવા આવ્યા યુનાઈટેડ કિંગડમ
ને અદમ આપણે લૂંટાઈ ગયા
અદમ ટંકારવી
ગુજરાતી ભાષાના એક સિધ્ધહસ્ત, પ્રથિતયશ ગઝલકાર; ભરૂચ
જિલ્લાના ટંકારિયા ગામના વતની; વર્તમાનકાળે બ્રિટનના રહીશ; ગુજલિશ ગઝલોના
પ્રણેતા.