ગઝલ (Gujarati Gazals) # 1

      (કવિલોકમાં તમારા આગમનને વર્ણવા માટે આનાથી સારી રચના અમને કયાંથી મળવાની? )

ઉપવને (કવિલોક પર!) આગમન

તમારાં અહીં આજ  પગલાં  થવાનાં,

ચમનમાં બધાંને  ખબર થૈ  ગઈ  છે.

ઝુકાવી છે ગરદન બધી  ડાળીઓએ,

ફૂલોની ય નીચી નજર  થૈ ગઈ  છે.

શરમનો કરી ડોળ  સઘળું જુએ  છે

કળી   પાંદડીઓના  પડદે   રહીને,

ખરું જો કહી દઉં તો વાતાવરણ પર

તમારાં નયનની અસર  થૈ  ગઈ છે.

બધી  રાત  લોહીનું  પાણી  કરીને

બિછાવી છે  મોતીની  સેજો ઉષાએ,

પધારો કે  આજે  ચમનની  યુવાની

બધાં સાધનોથી સભર થૈ  ગઈ  છે.

પરિમલની સાથે ગળે  હાથ  નાખી-

કરે  છે  અનિલ   છેડતી  કૂંપળોની,

ગજબની ઘડી છે  તે  પ્રત્યેક વસ્તુ,

પુરાણા  મલાજાથી પર થૈ  ગઈ છે.

ગની દહીંવાલા


કુદરતના  ખેલ  હાથમાં  આવી  નહીં  શકે,

કળીઓને  ગલીપચીથી  હસાવી નહીં  શકે.

મારા  કવનનું આટલું  ઊંડું  મનન  ન કર,

કંઈ  યાદ  થઈ  જશે તો  ભૂલાવી નહીં શકે.

ના માંગ  એની પાસે  ગજાથી  વધુ  જીવન,

એક પળ  એ  એવી  દેશે  વિતાવી નહીં શકે.

અંતિમ  દર્દ  હોય  તો  આવે  છે  સ્તબ્ધતા,

સાચો  વિરહ  છે  એ જે  રડાવી  નહીં  શકે.

તે  વેળા  માન  તારી  મહત્તા  બધી  ગઈ,

જ્યારે   તને  કશું  ય   સતવી   નહીં શકે.

એવા  કોઈ  સમયને  હું  ઝંખું  છું  રાતદિન,

તું  આવવાને  ચાહે,  ને  આવી   નહીં  શકે.

એક જ  સલામતી  છે કે  પડખામાં દિલ રહે,

એ  બહાર  જો જશે  તો  બચાવી  નહીં  શકે.

વાસી અબ્બાસ અબ્દુલ અલી ( મરીઝ )

જન્મ: સુરત    વસવાટ: મુંબાઈ     વ્યવસાય: પત્રકાર

સુખનવર શ્રેણી ( મરીઝ ) માંથી સાભાર

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

More Gazals, click here to go to ગઝલ (Gujarati Gazals) # 2