ગઝલ (Gujarati Gazals)


Back to previous Gazals



રાજેન્દ્ર શુક્લ  

સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.

- રાજેન્દ્ર શુકલ



માભોમ આવે-

પરદેશમાં માભોમ કાજે હોમસીક કવિ દિલ મીઠી મૂંઝવણ અનુભવે છે.  

સી યુ અગેઇન કરતાં તમારું એ આવજો મધમીઠું લાગે

હાય હેલો  ફ્રેંડશીપ બને દોસ્તી તો શમણું અણદીઠું જાગે

હમદર્દીલાં દિલડાંનો ધબકાર સંભળાયે આલિંગન વિના

ચોટદાર એનો એવો ઉન્માદ આઈ લવ યુ અણકીધું વાગે

પરભોમમાં ઓમનું છૂંદણું જોઇને જોમ આવે

હોમસીકને આમ મળવા જાણે માભોમ આવે

હતાશ હું બેભાન રહું છો હો ઇ. આર. સારવારે

જોઉં તરત “કેમ છો” શબ્દ પડઘા થઈ આવે

ક્ષુધાસભર આળોટું  વિદેશી વાનગી વચાળે

ખાઉં ઓડકાર  જો ખીચડી ખાટી છાશ આવે

ચકરાઉં બસ  નૉર્ડસ્ટ્રોમ  મેસીસ ઝાકજમાળે

ચીંથરાને ચૂમું  જો  મૅઈડ ઈન ઇંડિયા આવે

લૉટરી  કૂપન યા જૉબ-લેટર ગાર્બેજ ભાળે

ફાટેલ દેશી  ટપાલમાં અક્ષર મોતી થૈ આવે

કુમ્ભકર્ણ થઈને નસ્કોરું  ક્રીસમસનીય સવારે

સફાળો જાગું “જાગો રે” પ્રભાતિયે સાદ આવે

ભટકે બેતાળાભરી નયના  ઇંટરનેટના મેળે

મળે ગુજરાતી ફોંટ  તો બેસવાનું ઠામ આવે

ડોલર નામે સાહ્યબી છો  ના દોમદોમ આવે

દોલતમાં દિલને ભાગે  જો કાણી પાઇ આવે

દિલીપ આર. પટેલ

ઓરેંજ, કેલિફોર્નીયા

મે, 22, 2006




ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચેટ થઈ ગઈ

નાની અમસ્તી વાતમાં  અપસૅટ થઈ ગઈ

હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ

અરવિંદને  ઈંગ્લૅન્ડનો  વીઝા  મળી  ગયો

ખાદીની  એક  ટોપી  પછી  હૅટ  થઈ ગઈ

કૂતરો  આ  ફૂલફટાક તે  ડૉગી બની ગયો  

બિલ્લી  બનીઠની  ને  હવે  કૅટ  થઈ ગઈ

ગુજરાતમાં હતી  આ  ગઝલ ગોળપાપડી

ઈંગ્લૅન્ડમાં આવી અને  ચૉકલેટ થઈ ગઈ 

હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ

ગુજલિસ કવિતા જાણે કે  ચિટ્ચૅટ થઈ ગઈ

અદમ ટંકારવી

ગુજરાતી ભાષાના એક સિધ્ધહસ્ત, પ્રથિતયશ ગઝલકાર; ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામના વતની; વર્તમાનકાળે બ્રિટનના રહીશ; ગુજલિશ ગઝલોના પ્રણેતા.

ગુજલિશ ગઝલોમાંથી સાભાર

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની


Click here for more Gazals