ગુજરાતી કવિઓ
ગુજરાતી ગીત-કવિતા
ભજન-કિર્તન કવિલોક બ્લોગ
અન્ય સાહિત્ય
ગુજરાતી ગઝલ લેખ-નિબંધ ગુજરાતી વેબસાઇટ્સ

Learn Gujarati Typing on your computer
ગુજરાતીમાં ટાઇપ શીખવું છે?

{Sidebar}

Kavilok Blog (ગુજરાતીમાં)

ગુજરાતી ગઝલો

ગુજરાતી મુક્તકો

ગુજરાતી ભજનો

હાસ્ય / જોક્સ

સ્ટોક ટ્રેડીંગ
Stock trading book

Learn Gujarati Typing on your computer
ગુજરાતીમાં ટાઇપ શીખવું છે?


હરીન્દ્ર દવે (Gujarati Kavi Harindra Dave)

Kavi Harindra Dave
કવિ પરિચય માટે http://sureshbjani.wordpress.com/2006/10/26/harindra_dave/


  નથી હોતી

       

હું  એને  પામું  છું  એની  નિશાની  જ્યાં  નથી હોતી,

નિહાળું  છું  હું  એક  તસવીર  ને  રેખા  નથી  હોતી!

        

જીવન પુસ્તક મહીં આ પ્રેમ પણ અંતિમ વચન ક્યાં છે?

બધી   દીવાનગીના   મૂળમાં   લયલા  નથી   હોતી.

             

ઘણી  બેચેન  ગાળું  છું  હું તુજ  ઈતબારની ઘડીઓ,

પ્રણય  પણ  ક્યાં  રહે  છે  જે પળે  શંકા નથી હોતી.

       

એ  મંઝિલ  ક્યારની ગૂજરી  ગઈ, બેધ્યાન હમરાહી!

હવે   ખેંચાણના   કારણમાં   સુંદરતા   નથી  હોતી.

          

તમારી   યાદના   રંગીન  વનની  મ્હેંકના   સોગંદ,

બહાર આવે છે ઉપવનમાં  છતાં  શોભા  નથી હોતી.

         

પ્રભુનું   પાત્ર  કલ્પી  લઈને  હું  આગળ  વધારું  છું,

વિકસવાની  જગા  જો  મુજ  કહાનીમાં  નથી  હોતી.

         

કરી    સંહારનું   સાધન   હું  અજમાવી  લઉં  એને,

કદી  સર્જનની  શક્તિ  માંહે  જો શ્રધ્ધા  નથી હોતી.  

          

હરીન્દ્ર દવે
હોઠ હસે તો

હોઠ હસે તો

હોઠ હસે તો ફાગુન

ગોરી! આંખ ઝરે તો સાવન,

મોસમ મારી તું જ,

કાળની મિથ્યા આવનજાવન.

 

તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ,

અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;

એક જ તવ અણસારે

મારા વિશ્વ તણું સંચાલન.

 

અણુ જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ.

એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ;

તવ શ્વાસોનો સ્પર્શ

હ્રદય પર મનભાવન.

 

કોઈને મન એ ભરમ, કોઈ મરમીના મનનું મિત,

બે અક્ષર પણ ભર્યાભર્યા, પ્રિય, માણી એવી પ્રીત;

પલ પલ પામી રહી

પરમ કો મુદ્દા મહીં અવગાહન.

 

હરીન્દ્ર દવે


તમે યાદ આવ્યાં

 

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,

જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,

એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

 

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,

જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,

એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

 

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,

જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ,

સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

 

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,

જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ,

કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

 

કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં,

જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,

એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

 

હરીન્દ્ર દવે  


હરીન્દ્ર દવે

      

તારી ઊતરેલી પાઘ 

     

તારી ઊતરેલી પાઘ મને આપ મારા સ્વામી,

મને ભગવા તે રંગ તણા ઓરતા;

મારા મૃગજળના ભાગ્યથી છોડાવ મારા સ્વામી,

મને ભગવા તે રંગ તણા ઓરતા… ટેક.

      

કહે તો હું વીજનો ઝબકાર થાય એટલામાં,

છોડી દઉં દોર ને દમામ,

વેણ તારું રાખવા હું રાજપંથ છોડીને,

કાંટાળી કેડી ચહું આમ,

થાળી લઈ રામ પાતર આપ મારા સ્વામી,

મને ભગવા તે રંગ તણા ઓરતા… 1

      

ફૂલ ફૂલ ભમતી આ આંખોને એકવાર,

ઓળખાવ તારું પારિજાત,

ઠેર ઠેર ભમતાં આ ચરણોને ક્યાંક જઈ,

પહોંચવાનું ઠેકાણું આપ,

ભવના જાળાને હવે તોડ મારા સ્વામી,

મને ભગવા તે રંગ તણા ઓરતા… 2

       

હરીન્દ્ર દવે

જીવનકાળ: 19-સપ્ટેમ્બર, 1930 ; ખંભરા ( કચ્છ ) થી  29- માર્ચ, 1995; મુંબાઇ

સાભાર: કીર્તન મુક્તાવલી 

પ્રકાશક: સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ રોડ, અમદાવાદ-380004

કવિ પરિચય માટે http://sureshbjani.wordpress.com/2006/10/26/harindra_dave/