અંબાલાલ પટેલ (Ambalal Patel)

ભુવન ભુવન માડી

(Lovingly contributed on www.Kavilok.com by Shri Sureshbhai Jani)

May 28, 2007 at 12:30 am · Filed under ભજન/ કીર્તન/ પદkavilok / કવિલોક

ભુવન ભુવન માડી તારી જ્યોતિના ઝણકાર
દીલડે દીલડે તે માના દીવડા.
હાં રે માડી! દીલડે દીલડે તે તારા દીવડા.

માડી! મેઘનો માંડેલ તારો માંડવો
ઝબૂકે વીજળીની વેલ(2),
રુમઝુમતા તારલાના ફુલડાં
ઇન્દુ સીંચે અમીની હેલ(2),
આભલે આભલે તે માના દીવડા - હાં રે માડી ……

બ્રહ્માંડ બ્રહ્માંડના ચોકમાં
માડીના ગરબા ગવાય,
માડીની માંડવડી મંડાય,
ગરબે ઘૂમે છે ચોસઠ જોગણી
ઘૂમે સૃજનની વસંત(2),
દીશા ને કાળ સૌ ઘૂમી સૌ ઘૂમી રહ્યા.
ગરબો ઘૂમ્યો છે અનંત(2)
ગરબે ગરબે તે માના દીવડા - હાં રે માડી….

માને આભલાની આછી આછી ચૂંદડી
માને ઉગતી ઉષાની લાલ ટીલડી,
માને વસુધાના વાસંતી શ્રુંગાર
સાતે સાગરની માને ઝાંઝરી,
ઝમકે યુગ યુગને દ્વાર,
ઝમકે બ્રહ્માંડોની પાર,
યુગ યુગને ગોખ માના દીવડા. – હાં રે માડી….

-  અંબાલાલ પટેલ

           સદ્  ગત શ્રી. અંબાલાલ પટેલ મારા બાપુજીના વડીલ મિત્ર હતા.  યોગસાધક અને કવિ એવા મહાન આ વ્યક્તિ કોઇ પ્રસિધ્ધિમાં માનતા ન હતા. ખાસ મિત્રોએ  ભેગા મળી તેમના ગરબાઓ અને સ્તુતિઓનું એક પુસ્તક ‘  વેણુના નાદ ‘  છપાવ્યું હતું , અને મિત્રો વચ્ચે જ વહેંચ્યું હતું. સરસ સોનેરી પુંઠાવાળું તે પુસ્તક અમારા ઘરની લાયબ્રેરીમાં એક મૂલ્યવાન ઘરેણું હતું. ગાંધીયુગના અનેક કવિઓની જેમ તેમની રચનાઓમાં ગુજરાતના મહાકવિ ન્હાનાલાલની શૈલીનો બહુ જ મોટો પ્રભાવ હતો. ઉપરની સ્તુતિ મારા બા -બાપુજી ઘરની સાયમ્ પ્રાર્થનામાં અમને ઘણી વાર ગવડાવતા. ઇશ્વરના રૂપની આ કલ્પના કેટલી રોચક અને મહાન લાગે છે?

         તેમની એક બીજી રચના ‘લીપી’ તો બહુ જ મોટું કાવ્ય હતું - ચાર ચાર લીટીનો એક એવા લગભગ 100 શ્લોકો જેટલું લાંબું. શુધ્ધ ‘ વસંત તિલકા’ છંદમાં લખાયેલ એ કાવ્યમાં સૃષ્ટિની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિનું બહુ જ વિદ્વત્તાથી પ્રચૂર વર્ણન હતું. મને તેની પહેલી આઠ લીટીઓ હજુ યાદ છે તેના સહારે તે લીટીઓ નીચે લખું છું -

વિરંચિએ વિપુલ વેલ વિરાટ વાવી
વેર્યું વરેણ્ય વિભુ વર્ચસ વ્હેણ વ્હેતું
એ વ્હેણના અમીત ભર્ગની જ્યોતિ જાગી
ને પૃથ્વીને પ્રથમ પ્રાણ પીયૂષ પાયાં.

સત્કારીએ પીયૂષને નિજ સત્વ સત્વે,
વિકસી વિલોલવતી વેલ વસુંધરાની.
વિશ્વે સજી સુભગ સુંદર કોઇ ગાથા,
લીપી લખાણી નભના નિધિનીરમાં જ્યાં.

       સૃષ્ટિના આરંભકાળની આ પરિકલ્પના એક ઊંડાણથી ભરેલા દર્શન જેવી છે.

       અત્યંત માન અને ગૌરવની ભાવનાથી મને જણાવતાં આનંદ થાય છે કે, ચાર ચોપડી ભણેલી મારી માને એ સો યે સો શ્લોક કંઠસ્થ હતા - તેના અર્થની પૂરી સમજ સાથે.  એવી મારી માની યાદમાં નતમસ્તક હું આ રચના તેને અર્પણ કરું છું.
- By Sureshbhai Jani