Kavilok

Gujarati linksGujarati poetsGujarati poemsGujarati articles

ફરીદ મહમ્મદ મન્સુરી "આદિલ"(Aadil Mansoori)

જન્મ કરાંચીમાં (18 મે - 1936), ઉછેર અમદાવાદમાં અને એમની શાયરીની બોલબાલા દિગદિગંતમાં; આદિલ મન્સૂરી પોતાની ઓળખ એક મિસરામાં આ રીતે આપે છે: ધર્મ, ધંધો જન્મ ને જાતિ ગઝલ ; અત્યારે અમેરિકામાં વસે છે, પણ એમનું હ્રદય હજી ભઠિયારગલીમાં ભમતું જોવા મળે છે- ચિનુ મોદી   
  

માનવ ન થઇ શક્યો - ‘આદિલ’ મન્સૂરી

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.

વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.

- ‘આદિલ’ મન્સૂરી

ત્રિભુવનદાસ પુ. લુહાર (સુન્દરમ્)

Comments (1)

 

ગઝલના બધા શેર મઠારી આપો - ‘આદિલ’ મન્સૂરી

ક્યાં કહું છું કે મદિરા જ વધારી આપો,
જિંદગીભર જે રહે એવી ખુમારી આપો.

ફૂલની જેમ અમે સાચવી રાખ્યું છે હૃદય,
દર્દ આપો તો જરા વિચારી આપો.

ચાંદની જેમના પાલવનું શરણ શોધે છે,
એ કહે છે મને ચાંદ ઉતારી આપો.

ચાંદ મહેમાન બની આવ્યો છે આજે ઓ પ્રભુ!
આજ તો રાતની સીમાઓ વધારી આપો.

ખ્વાબમાંયે કદી ‘આદિલ’ને દઇને દર્શન,
એની ગઝલના બધા શેર મઠારી આપો.

- ‘આદિલ’ મન્સૂરી

Comments (1)

દુઃખમાં વધારો કરી ગયા - ‘આદિલ’ મન્સૂરી

ફૂલો બની ભલેને અમે તો ખરી ગયા,
ખુશ્બૂથી કિંતુ આપનો પાલવ ભરી ગયા.

પ્રેમાગમાં બળીને પતંગા ઠરી ગયા,
કિંતુ શમાનું નામ તો રોશન કરી ગયા.

નૌકા હતી છતાંય હું ડૂબી ગયો ખુદા!
તરણું લઇને લોક તો સાગર તરી ગયા.

પથ્થર બની હું જોતો રહ્યો કાળની ગતિ,
વર્ષો જીવનનાં પાણી બનીને સરી ગયા.

જેઓની પાસે મારાં દુઃખોનો ઇલાજ છે,
તે આવી ઓર દુઃખમાં વધારો કરી ગયા.

- ‘આદિલ’ મન્સૂરી

ક્યાંથી મળી ગઇ? - ‘આદિલ’ મન્સૂરી

સામાં મળ્યા તો એમની નજરો ઢળી ગઇ
રસ્તા મહીં જ આજ તો મંજિલ મળી ગઇ.

સાચે જ મીણ જેવી હતી મારી જિંદગી,
દુઃખનો જરાક તાપ અડ્યો ઓગળી ગઇ.

મારાથી તો એ આંસુ વધુ ખુશનસીબ છે,
જેને તમારી આંખમાં જગ્યા મળી ગઇ.

કહેતી ફરે છે બાગમાં એકેક ફૂલને,
તુજ આગમનની વાત હવા સાંભળી ગઇ.

મન કલ્પનામાં ચૌદે ભુવન ઘૂમતું રહ્યું,
દ્રષ્ટિ ક્ષિતીજ સુધી જઇ પાછી વળી ગઇ.

‘આદિલ’ ઘરેથી નીકળ્યો મિત્રોને શોધવા,
ઓ દુશ્મની તું રાહમાં ક્યાંથી મળી ગઇ?

- ‘આદિલ’ મન્સૂરી

આ ગઝલ શ્રી. મનહર ઉધાસે બહુ સુરીલી રીતે ગાઇ છે.

બધા માનવીઓ અમર હોય જાણે - ‘આદિલ’ મન્સૂરી

સંબંધોય કારણ વગર હોય જાણે
આ માણસ બીજાઓથી પર હોય જાણે.

ઉદાસી લઇને ફરે એમ પાગલ,
રહસ્યોની એને ખબર હોય જાણે.

મકાનોમાં લોકો પુરાઇ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.

હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.

કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.

- ‘આદિલ’ મન્સૂરી

ચોતરફ મારા જ પડછાયા હતા - ‘આદિલ’ મન્સૂરી

શબ્દ જે તુજ હોઠ પર આવ્યા હતા,
એ તો મારા મૌનના પડઘા હતા.

આંખમાં આંસુ સદા રહેતા હતા,
પણ પ્રસંગો સાચવી લીધા હતા.

એની ખુશ્બૂ પણ મને ડંખી ગઇ.
ફૂલના દિલમાંય શું કાટા હતા?

આમ જોકે યાદ છે તારી ગલી,
ભૂલવાના પણ ઘણા રસ્તા હતા.

આમ પણ હું તો દુઃખી રહેતો હતો.
પણ પછી તેઓય પસ્તાયા હતા.

આપ શું જાણો કે ક્યાં વીજળી પડી?
આપ તો ઘૂંઘટમાં શરમાયા હતા.

ખુદ મને હું શોધવા ફરતો હતો,
ચોતરફ મારા જ પડછાયા હતા.

- ‘આદિલ’ મન્સૂરી

ગગન વિના - ‘આદિલ’ મન્સૂરી

મારા જીવનની વાત, ને તારા જીવન વિના,
ધરતીની કલ્પના નહીં આવે ગગન વિના.

ઉન્નત બની શકાય છે ક્યારે પતન વિના?
મસ્તક બુલંદ થઇ નથી શકતું નમન વિના.

વીજળીની સાથે સાથે જરુરી છે મેઘ પણ,
હસવામાં કંઇ મજા નહીં આવે રૂદન વિના.

કરતા રહે છે પીઠની પાછળ સદા પ્રહાર,
એ બીજું કોણ હોઇ શકે છે સ્વજન વિના?

આંસુઓ માટે કોઇનો પાલવ તો જોઇએ,
તારાઓ લઇને શું કરું ‘આદિલ’ ગગન વિના?

- ‘આદિલ’ મન્સૂરી


દિલ ન લાગે કિનારે, તો હું શું કરું? (ગઝલ)

દિલ ન લાગે કિનારે, તો હું શું  કરું?

દૂર  ઝંઝા  પુકારે,  તો  હું  શું  કરું?

                                      

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,

તું જ એ રૂપ ધારે, તો  હું  શું  કરું?

                                         

હો વમળમાં તો મનને મનાવી લઉં,

નાવ ડૂબે  કિનારે,  તો  હું  શું  કરું?

                                         

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં

કોઈ પાલવ પ્રસારે, તો હું શું  કરું?

                                      

તારી ઝૂલ્ફોમાં  ટાંકી દઉં  તારલાં,

પણ તું આવે સવારે, તો હું શું કરું?

                                        

આદિલ મન્સૂરી


                    

સુખનવર શ્રેણી (આદિલ મન્સૂરી) માંથી સાભાર

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

Web: www.rrsheth.com                 આદિલ મન્સૂરી

                                                            

મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,

સેંકડો  જન્મોની  છાયા  જિંદગીના  રણ  સુધી.

                                                    

વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,

બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી.

                                                        

બ્હાર  ઘટનાઓના  સૂરજની  ધજા  ફરકે  અને,

સ્વપ્નના  જંગલનું  અંધારું  રહે  પાંપણ  સુધી.

                                                    

નિત્ય પલટાતા સમયમાં અન્યની તો વાત શી,

મારો ચ્હેરો સાથ ના આપે  મને  દર્પણ  સુધી.

                                                     

કાંકરી  પૃથ્વીની  ખૂંચે છે  પગે પગ  ક્યારની,

આભની સીમાઓ  પૂરી થાય છે  ગોફણ સુધી.

                                                     

કાળનું કરવું કે ત્યાં  આદિલ સમય થંભી ગયો,

જ્યાં યુગોને હાથ પકડી લઈ ગયો હું ક્ષણ સુધી.

                                                     

આદિલ મન્સૂરી- જીવન ઝાંખી:  On Gujarati Sarswat Parichay (maintained by Sureshbhai Jani)
Some more poems on Dhaval Shah's website:
આવશે
કબૂલાત
મળે ન મળે