સંસ્કૃતિરાણી દેસાઇ (Sanskrutirani Desai)

એક કવિતા પૂરી કરું છું કે

હું જેવી એક કવિતા પૂરી કરું છું કે,
તે આખો આકાર લઇ ઊભી થઇ જાય
કાગળ ઉપરથી.

સ્વપ્નપરીની વાત કરું છું તો,
તેનું આકર્ષક રૂપ લઇ
મોહક અદાથી ચાલવા માંડે છે મારી સામે
આંખોના ઇશારા કરતી.

મશ્કરા શબ્દોની વાત કરું છું તો,
પાંચસાતની ટોળી ઊભી થઇ
મારી સામે મશ્કરી અને ટીખળ કરવા માંડે છે
ને પછી બધા જ નીકળી પડે છે વિશાળ દુનિયામાં.

એક દિવસ મેં રાક્ષસની વાત કરી કવિતામાં
ને તે ધીમે ધીમે આકાર લેવા માંડ્યો.

એટલો બધો ભયાનક ચીતર્યો હતો કે
મને થયું કે જેવી હું તેને પૂર્ણ કરીશ કે
કૂદી પડશે મારા ઉપર જ.

હવે હું ગભરાઇ, શું રસ્તો છે એનાથી બચવાનો?
ને મેં છેલ્લી પંક્તિ લખી જ નહીં,
પૂરી જ ન કરી કવિતા.

રાક્ષસ બીચારો હજી ઊભો છે
કાગળ સથે જકડાયેલો
છેલ્લી પંક્તિની રાહ જોતો.

સંસ્કૃતિરાણી દેસાઇ

કવિ પરિચય

        ઉપરછલ્લી રીતે અસંબધ્ધ લાગતી આ કવિતા એક બહુ મોટી વાત કહી જાય છે. 
        ત્રણ તત્વોનાં પ્રતીક અહીં છે….. પરી - સદ્ , મશ્કરા - દુન્યવી અને રાક્ષસ - અસદ્
        સદ્ ની જેમ અસદ્ પણ આપણા જીવનની કવિતાનો એક ભાગ છે. પણ અસદ્ ની ચરમસીમા આપણને જ ખાઇ જતી હોય છે - ઘણા પ્રકારે, તેની પોતાની પૂર્ણતાથી.

         એનાથી બચવાનો રસ્તો કવયિત્રી પોતાની આગવી શૈલીમાં આપણને અહીં બતાવી જાય છે – એ પંક્તિ અધૂરી જ રાખવી સારી - રાક્ષસ પણ બીચારો થઇ જતો હોય છે ! 
         ખુમારીવાળી આ જાજરમાન કવયિત્રીની જીવનઝાંખી પણ સમજવા જેવી, પ્રેરણા લેવા જેવી છે.