રત્નો (Ratno)
Kavi પરિચય

અષાડ- રત્નો

Filed under: ભજન/ કીર્તન/ પદ — સુરેશ જાની @ 2:21 pm

અષાડ આવ્યો હે સખી, કેમ કરી કાઢું દન?
નાથ નમેરા થઇ રહ્યા, હૃદે પડ્યાં રે રતન.

અસાડો રે ઘન ઊલટ્યો, માગ્યા વરસે મેહ;
વીજલડી ચમકાર કરે, વ્હાલે દીધો રે છેહ,

મોરના શોર સોહામણા, દાદુર બોલે રે જોર;
કોયલડી ટૌકા કરે, ના’વ્યા નંદ કિશોર.

રાત અંધારી, ઊડે આગિયા, દેખી ઝબકે રે મન;
દીવડો દીસે બિહામણો, ના’વ્યા જગના જીવન.

લીલાં ચરણાં અવનિએ ધર્યાં, તરુવર ઘેરગંભીર;
પંખીડે માળા રે ઘાલિયા, જ્યાં ત્યાં ભરિયાં રે નીર.

જોગીડા પણ પંથ પરહરી, બેઠા એક આસન;
‘રત્ના’ના સ્વામી રે શામળા, આવો જગના જીવન.