Prajaram Raval (પ્રજારામ રાવળ)

જન્મ 3 - માર્ચ , 1917 ; ભાવનગર : વતન -  વઢવાણ

અવસાન 28 - એપ્રિલ, 1991, સુરેન્દ્રનગર

  • 1954 - 1975     ભાવનગરમાં આયુર્વેદના પ્રાધ્યાપક અને પછી આચાર્ય
  • વૈદક
For detailed information on Prajaram Raval, please visit "કવિ પરિચય"

આ અંધકાર શો મ્હેકે છે !

શું કોઇ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે!
ને શોભાથી વિસ્મિત વિસ્મિત નભથી શું તારા ઝૂક્યા છે!
ઘટા સઘન ઘનશ્યામ નિહાળી મયૂર મનમાં ગ્હેકે છે!

અહો, વહે શી હળવે હળવે સુરભિ મગન મન ભરી દઇ!
દિગ્દિગંતમાં, - બસ અનંતમાં સરી જાય ઊર હરી લઇ!
અંધકારના મસૃણ હૃદયથી નિગૂઢ બુલબુલ ચ્હેકે છે!

સ્વચ્છ, સુભગ મધરાત વિશે, આ કાલ તણું ઉર શાંત અહો!
મધુર મૌનથી સભર શરદનું નીલમ આ એકાન્ત અહો!
પૃથિવી કેરું પારિજાત શું ફુલ્લ પ્રફુલ્લિત બ્હેકે છે!

- પ્રજારામ રાવળ    :   કવિ પરિચય

Comments (1)

ઝાલાવાડી ધરતી - પ્રજારામ રાવળ

આ ઝાલાવાડી ધરતી :
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક રુક્ષ ચોફરતી.

અહીં ફૂલ કેવળ આવળનાં :
અહીં નીર અધિકાં મૃગજળનાં :
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી!

જોજનના જોજન લગ દેખો,
એક નહીં ડુંગરને પેખો :
વિરાટ જાણે કુલ્લી હથેળી સમથળ ક્ષિતિજે ઢળતી !

આ તે કોઇ જનમ-વેરાગણ!
કે, કો ઉગ્ર તપંતી જોગણ!
સન્યાસિની તણા નિર્મળ શુભ્ર વેશે ઉર મુજ ભરતી!

- પ્રજારામ રાવળ   : કવિ પરિચય