Kavilok

Gujarati linksGujarati poetsGujarati poemsGujarati articles


કવિ ઉમાશંકર જોશી (Kavi Umashankar Joshi)

(જન્મ : 21-7-1911   બામણા સાબરકાંઠા જિ.
અવસાન           19-12-1988 મુંબાઇ )

છ ઋતુઓ 


શરદ શી સુહે ! વાદળાં ગયાં.

જળ નદી તણાં નીતરાં થયાં.

ગગનથી સુધા ચંદ્રની ઝરી,

રસભરી રમે રાસ ગુર્જરી.   

હેમન્તમાં કોમળ સૂર્યતાપ,

વૃક્ષો મહીં વાયુ કરે વિલાપ,

ઝરે નિશાએ હિમ ભૂમિ-ખોળે,

લીલાં તૃણે ઝાકળબિંદુ ડોલે.

શિશિરવાયુ સુશીતળ સૂસવે,

તરુ તણાં થડથી રસ કંઈ ઝવે.

ખરત પાન, રહ્યાં બસ ડાંખળા,

સભર ધાન્ય થકી સુહતાં ખળાં.

ખીલી વસન્ત, વન ફૂલભર્યાં મહેકે,

ગાતા ફરે ભ્રમર, કોકિલનાદ લ્હેકે.

ઊડે સુગન્ધકણ પુષ્પ તણા રસોના,

આઘા સુણાય ગગને સ્વર સારસોના.

આવ્યો, આવ્યો બળ બળ થતો દેખ જોગી ઉનાળો;

વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગ્નિઝાળો.

ઝોલાં ખાતી રસદ ફળની લૂમ, લૂ વાય ઊની;

પાણી ડૂક્યાં, સજળ સરિતાઓ થઈ વારિસૂની.

ચઢી આવ્યાં ક્યાંથી દળ પર દળો વાદળ તણાં?

કરે ઈશાને શી ઝબક ઝબકી વીજ રમણા !

પડ્યાં પાણી ધો ધો, જળભર થઈ ધન્ય ધરણી;

હસે વર્ષા; શોભા શુભ નભ વિશે મેઘધનુની.   

****************************

આશંકા

(કાવ્યાંશ)

બ્રહ્મદત્ત:  દિને દિને નામ દઉં નવાં નવાં,

જૂનાંય બોલું કંઈ વીસર્યા ભયે .

ન્હાવા ગયેલા ઋષિને પ્રદોષે 

મળી હતી તું શિશુ પદ્મકોશે,

તેથી તને પ્હેલી કહી જ પદ્મિની 

મૃણાલિની શ્રી નલિની સરોજિની 

નીરા સુધા ઊર્મિ તરંગિણી તૃષા 

સન્ધ્યા કહી રંગમયી કહી ઉષા 

તારા તમીસરા રજની વિભાવરી 

કુમુદવતી કૌમુદી ઇન્દુ શર્વરી 

શશિકલા ને કહી ચંદ્રી પૂર્ણિમા 

શ્યામા કહી અંજની કાન્તિ નીલિમા 

સર્વાંગશુકલા તું હતી સરસ્વતી 

હિમાદ્રિકન્યા તું હતી જ પાર્વતી 

એવી તને જોઈ કહી જ આ - આ -      

આશંકા: શું, દેવ?

બ્રહ્મદત્ત: આશા.

આશંકા: નહિ ભાગ્યમાં આ!   

ઋષિ: વત્સ, પ્રસ્થાન કે પાછું ? જવું છે એકલા જ શું ?

બ્રહ્મદત્ત: શ્રદ્ધા સર્વે રહી મારી, આશંકા સાથ જઈશ હું 

                        આશંકા અને ઋષિ: ‘આશંકા’ સાથ? 

બ્રહ્મદત્ત:            હા 

                         ઋષિ:                                     બેટા, આશંકા, પતિ સાથ જા.  

***************

શું શું સાથે લઈ જઈશ હું?
કહું ?

લઈ જઈશ હું સાથે
ખુલ્લા ખાલી હાથે
પૃથ્વી પરની રિદ્ધિ હૃદયભર-
વસન્તની મ્હેકી ઉઠેલી ઉજ્જ્વલ મુખશોભા જે નવતર,
મેઘલ સાંજે વૃક્ષડાળીઓ મહીં ઝિલાયો તડકો,
વિમળ ઊમટ્યો જીવનભર કો અઢળક હૃદય-ઉમળકો,
માનવજાતિ તણા પગમાં તરવરતી ક્રાન્તિ
અને મસ્તકે હિમાદ્રિશ્વેત ઝબકતી શાન્તિ,
પશુની ધીરજ, વિહંગનાં કલનૃત્ય, શિલાનું મૌન ચિરંતન,
વિરહ-ધડકતું મિલન, સદા-મિલને રત સંતન
તણી શાન્ત શીળી સ્મિતશોભા,
અંધકારના હૃદયનિચોડ સમી મૃદુ કંપિત સૌમ્ય તારકિત આભા,
પ્રિય હૃદયોનો ચાહ
અને પડઘો પડતો જે ‘આહ!’
મિત્રગોઠડી મસ્ત, અજાણ્યા માનવબંઘુ
તણું કદી એકાદ લૂછેલું અશ્રુબિન્દુ,
નિદ્રાની લ્હેરખડી નાની-કહો એક નાનકડો
સ્વપ્ન-દાબડો,
(સ્વપ્ન થજો ના સફળ બધાં અહીંયા જ)
– અહો એ વસુધાનો રસરિદ્ધિભર્યો બસ સ્વપ્ન-સાજ!-
વઘુ લોભ મને ના
બાળકનાં કંઈ અનંત આશ-ચમકતાં નેનાં
લઈ જઈશ હું સાથે
ખુલ્લા બે ખાલી હાથે
ખુલ્લા બે ‘ખાલી’ હાથે ?

– ઉમાશંકર જોશી

-------------------------------

માર્ગમાં કંટક પડ્યા

સૌને નડ્યા
બાજુ મૂક્યા ઊંચકી
તે દી નકી
જન્મ ગાંધી બાપુનો.

-ઉમાશંકર જોશી

****

ગુજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી,
ગુજરાત મોરી મોરી રે.

ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,
પાવાને ટોડલે માકાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
ગુજરાત મોરી મોરી રે.

આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે !
હૈયાનાં હીર પાઈ હેતભરી નીતરે,
ગુજરાત મોરી મોરી રે.

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ શાં સુખડૂબ્યાં જોડલે,
ગુજરાત મોરી મોરી રે.

નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગુજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી ?
ગુજરાત મોરી મોરી રે.

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

-ઉમાશંકર જોશી   

ઋષિ: મંગલ વ્યોમ-પૃથ્વી હો ! દંપતી હો સુમંગલ !

ભોમિયા વિના

ભોમિયા વિના મારે ભમવા ‘તા ડુંગરા,

જંગલની કુંજ કુંજ જોવી હતી;

જોવી’તી કોતરો ને જોવી ‘તી કંદરા,

રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે

હંસોની હાર મારે ગણવી હતી;

ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે

અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો

પડઘા ઉરબોલના ઝીલવા ગયો;

વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,

એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,

જંગલની કુંજ કુંજ જોવી ફરી;

ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,

અંતરની આંખડી લ્હોવી જરી.

ઉમાશંકર જોશી - જીવન ઝાંખી:  On Gujarati Sarswat Parichay (maintained by Sureshbhai Jani)