પ્રહલાદ પારેખ (Kavi Prahlad Parekh)

    

અદના આદમીનું ગીત

          

અદના તે આદમી છઈએ,

હો ભાઈ , અમે અદના તે આદમી છઈએ.

ઝાઝું તો મૂંગા રહીએ

હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ.

   

મોટા તે આદમીની વાતું બહું સાંભળી, રે

જુગના તે જુગ એમાં વીત્યા;

થાયે છે આજ એવું, નાની શી વાત છે જે

હૈયે અમારે, કહી દઈએ, -  હો ભાઈ.. 

    

વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા,

ખાણના ખોદનારા છઈએ;

હોડીના હાંકનારા, મારગના બાંધનારા,

હે જી અમે રંગોની રચનાય દઈએ! -  હો ભાઈ..

          

છઈએ રચનારા, અમે છઈએ ઘડનારા,

તે સંહારની વાતું નહીં સહીએ;

ધરતીના જાયાનાં કાયા ને હૈયાંને

મોંઘેરા મૂલનાં કહીએ,

હે જી એને કેમ કરીને અવગણીએ! -  હો ભાઈ..

          

જોઈને ના તાજ અમને, જોઈએ ના રાજ કોઈ;

જીવીએ ને જીવવા દઈએ;

જીવતરનો સાથી છે, સર્જન, અમારો:

નહીં મોતના હાથા થઈએ,

હે જી એની વાતુંને કાન નહીં દઈએ! -  હો ભાઈ..

        

પ્રહલાદ પારેખઆપણે ભરોસે

                            
 

આપણે ભરોસે આપણે હાલીએ,

હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.

એક મહેનતના હાથને ઝાલીએ,

હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.

                              

ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો 

ખુદાનો ભરોસો નકામ;

છો ને એ એકતારે  ગાઈ ગાઈને કહે,

‘તારે  ભરોસે,  રામ !’

એ તો ખોટું રે ખોટું પિછાણીએ,  -  હો ભેરુ … 

                               

બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,

સાગર મોઝારે ઝુકાવીએ;

આપણા વહાણનાં સઢ ને સુકાનને

આપણે  જ  હાથે  સંભાળીએ,  -   હો ભેરુ…

                                

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,

કોણ લઈ જાય સામે પાર?

એનો કરવૈયો કો આપણી બહાર નહીં,

આપણે  જ  આપણે  છઈએ,  -  હો ભેરુ ….  

                    

પ્રહલાદ પારેખ

                    

અમર ગીતો ( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભાર

સંપાદન: ચંદ્રકાન્ત શેઠ

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની