સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ  “કલાપી”(Kavi Kalaapi- Sursinhji Gohil)

નામ               સુરસિંહજી ગોહેલ

ઉપનામ           કલાપી

જન્મ               26-1-1874 – લાઠી  

અવસાન           9-6-1900- લાઠી 

આપની યાદી 

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની;

આંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની ! 

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને

જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની 

જો ઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,

તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની ! 

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,

તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની ! 

આ ખૂનને ચરખે અને રાતે અમારી ગોદમાં,

આ દમ-બ-દમ બોલી રહી ઝીણી સિતારી આપની ! 

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;

યાદી બનીને ઢાળ ખેંચાઈ રહી છે આપની ! 

દેખી બૂરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની?

ધોવા બૂરાઈને બધે ગંગા વહે છે આપની ! 

થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાંયે આશના;

તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની ! 

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં ત્યાં મિલાવી હાથને,

અહેશાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની ! 

પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર:

ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની ! 

રો ઉં ન કાં એ રાહમાં એ બાકી રહીને એકલો?

આશકોના રાહની જે રાહદારી આપની ! 

જૂનું નવું જાણું અને રો ઉં હસું તે તે બધું:

જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની ! 

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:

જોયું ન જોયું છો બને જો એક યાદી આપની ! 

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;

છે આખરે તો એકલી ને એ જ યાદી આપની !

“કલાપી” (Kavi Kalaapi- Sursinhji Gohil): જીવન ઝાંખી:  On Gujarati Sarswat Parichay (maintained by Sureshbhai Jani)