Kavilok

Gujarati linksGujarati poetsGujarati poemsGujarati articles


કવિ હિમાંશુ ભટ્ટ (Kavi Himanshu Bhatt)

Himanshu Bhatt

ગઝલ - હિમાંશુ ભટ્ટ (Himanshu Bhatt)

May 7, 2007 at 11:48 pm · Filed under ગુજરાતી ગઝલ (Gujarati Gazal Shaayar

લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે

ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે

ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે

સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે

(c) હિમાંશુ ભટ્ટ… ૨૦૦૭

હિમાંશુ ભટ્ટની અન્ય ગઝલો એમની આ લિંક પર માણો:   http://www.ekvartalap.wordpress.comHimanshu Bhatt

Himanshu Bhatt

Website :  Click here (http://www.geocities.com/hvbhatt/)