મુકેશ વૈદ્ય (Mukesh Vaidya)

આંખોમાં પહાડ ઊંચકી ચાલ્યો છું

આંખોમાં પહાડ ઊંચકી ચાલ્યો છું.
પાણીપાતળો નીલમ ઓગળે આંખોમાં.

છે નીલમ એ જળ, સ્થળ કે આકાશ ?
ઘેરાં નીલાં એ વૃક્ષ?
વૃક્ષની ડાળ ડાળ પર પાંદ
પાંદ પર
સરતું આછું ધુમ્મસ?
ધુમ્મસની ભીંત સોંસરો સૂર્ય; સૂર્યમાં
ઓગળતી આંખો પથરાય .

રંગો ઊછળ્યા, ધૂસર રુઆબ ઊંચકી
પહાડો ચાલ્યા,
ખીણો ચાલી.
ચક્કર ચક્કર ગોળ ફુદરડી ફરતી આખી સૃષ્ટિ ચાલી.

ચાલી અકળ અમૂંઝણ છાતી પર
ને ચાલી ચાલી લોથપોથ સહુ પહાડ
આખરે
જંપ્યા આંખોમાં.

મુકેશ વૈદ્ય

કવિ પરિચય