મેઘનાદ ભટ્ટ( Meghnad Bhatt)

જન્મ 24 - ઓક્ટોબર, 1935
અવસાન  22 - એપ્રિલ, 1997

For detailed information about Meghand Bhaat, click here કવિ પરિચય

અસહાય

… મને ન મળેલી દ્રાક્ષને ખાટી કહેવાની પાકટતા કેળવી શક્યો નથી
કાગડાના કંઠમાધુર્યની નવાજેશ કરવાની
શિયાળવૃત્તિ પણ હજી કેળવી શક્યો નથી.
હમસફરના દર્દ પર માત્ર મોરનાં આંસુ પણ સારી શકતો નથી.
ઉષ્મા કે ઉમળકાના અભાવવાળું સ્મિત પણ
સાહજિકતાથી કે સ્વાભાવિકતાથી આપી શકતો નથી.
રખે માનતા કે હું ‘મહાત્મા’ નો સ્વાંગ સજું છું.
મારી અણાવડત પર નિર્દોષતાનો ટોપલો ઢાંકી
’નિર્દોષ’ને દોષિત ન કરું હું
પણ, હું સાચ્ચે જ અસહાય છું,
મારી અસહાયતા એટલી તો અસીમ છે
કે

માના ગર્ભમાં નવ નવ માસનો કારાવાસ વેઠી
સ્વતંત્રતાનો શ્વાસ લીધો ત્યારે
મારી મેળે હું રડી પણ શક્યો નહોતો

- એથી જ – કદાચ ….
-
-
-
હું હું છું .

- મેઘનાદ ભટ્ટ   :  

આપણે જેવા હોઇએ તેવા જ દેખાવાનું સામર્થ્ય … 
આપણા હોવાપણાની અસ્મિતા.
અને છતાં કોઇ મહાત્મા હોવાનો ડોળ પણ નહીં.

ગાંધીજીની ગાંધીગીરીનું શું આ જ સ્રોત હશે?