કલ્પેશ સોની (Kalpesh Soni)

કવિલોક્માં પા પા પગલી માંડતા કલ્પેશભાઈ સોનીને અભિનંદન!

 

કેટલાંક કાવ્યો

 

1-

મન મંદિરમાં ને જીવ ચપ્પલમાં.

પછી ગણગણે. . .

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. . .

   

ટેક્સીમાં પ્રેયસી સાથે, ને નજર છે મીટર સામે.

પછી લવલવે. . .

તુજે દેખ મેરા દિલ ધડકા. . .

  

હાથ જોડે નારાયણને, નજર તાકે લક્ષ્મીજીને.

પછી કરગરે. . .

પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો.

 

2-

પ્રેમ તો પ્રેમ છે. 

શાને પૂછો એ કેમ છે. 

  

ન ઘટે, ન ખૂટે.

બસ, સતત વહેતો રહે એમ છે. 

  

 ન કરે વાયદો, ન જુએ ફાયદો

વહેવારે એને ક્યાં બને એમ છે. 

   

કારણ બતાવે એ તો નર્યો વ્હેમ છે. 

બહાનાની જરૂર પ્રેમને કેમ છે. 

 

3-

દીવડો થઈ જગે ચાહું ટમટમવા,

મારામાં જ્યોત બની આવ. 

 

તોફાને ટકવા ને ઝાઝું ઝગમગવા,

જ્યોતે તવ સ્થિરતા લાવ.  

 

જગને અજવાળવા ને પાછુ અંધારવા,

ફરવાનું મારું અટકાવ.  

   

સૂરજ બની નહિ આવું એકાંતરે,

અવિરત પ્રકાશ તું રેલાવ.

 

4-

મોરપીચ્છધારી રે . . .

મધુરી બંસરી બજાવી,

મારા જીવનને દેજો ખિલાવી.

  

કાલીયનાગનું દમન કર્યું’તુ તમેકૃષ્ણમુરારિ રે . . .

વિષયોથી પ્રીત મારી વાળી,

મારા જીવનને દેજો ખિલાવી.

  

ગોકુળની ગોપીઓના વસ્ત્રો હર્યા’તા તમેનટવર નાગર રે . . .

દંભીલા વસ્ત્રો ઉતારી,

મારા જીવનને દેજો ખિલાવી.

  

મિત્ર સુદામાનાં તાંદુલ ચાખ્યા’તા તમેદ્વારિકાના રાજા રે . . .

ભક્તિને મુજમાં વધારી,

મારા જીવનને દેજો ખિલાવી. 

  

કંસ, નરક આદિ રાજા માર્યા’તા તમેસુદર્શનધારી રે . . .

અંતઃશત્રુઓ મારા બાળી,

મારા જીવનને દેજો ખિલાવી.  

 

5-

કર્તાપણાને જે ત્યાગે છે સખી,   

એના જીવનમાં કર્તા થાય છે હરિ.      

 

અખંડવૃત્તિ તો પ્રેમથી સધાય છે,   

પ્રભુ કર્તા છે એ સમજણ રખાય છે,    

અહંને સોંપી દેવાય છે સખી,  એના…       

 

ક્રિયામાં જેની, પ્રભુજી દેખાય છે,   

લાખો માનવો એનાથી દોરાય છે,    

પ્રભુનો લાડકો મનાય છે સખી,  એના…       

 

જ્ઞાન અને પ્રેમ ભેગા જ્યાં થાય છે,    

જીવ અને શિવ ઐક્ય રચાય છે,

જીવન સફળ થાય છે સખી,  એના…