દિલીપ પટેલ (Dilip Patel)
નોરીશ નામે હોલ
ગત સોમવારે એટલે કે એપ્રિલની સોળમી તારીખે વર્જિનિયા ટૅક
યુનિવર્સિટીના
કેમ્પસમાં ત્યાંના જ વિદ્યાર્થીએ પેનને બદલે પિસ્તોલ પકડીને આચરેલી
નિર્દયી ઘાતકી ઘટનાથી વિદ્યાવિશ્વ જ નહીં સર્વત્ર જે શોકનો ભાર ને
ગમગીનીનું વાતાવરણ વર્તાતું હતું એ હજુયે વ્યથાથી ભરેલું છે ને વિસરવાનું
નામ નથી લેતું. શું આના માટે આજનું સ્વાતંત્ર્યના નામે મેળવાતું
સ્વાર્થીલું શિક્ષણ કે ટીવી- વીડિયોના વિષમય વાતાવરણથી વિસ્તરેલું ‘ગન
કલ્ચર’ જવાબદાર નથી? ચાલો મા સરસ્વતી પાસેથી જ આનો ઉત્તર માગીએ.
સર્વે મૃતાત્માઓને શાંતિ મળે ને એમના પરિવારજનો તેમજ આ ઘટનાથી વ્યથિત ને
પીડિત સહુકોઈને આ દુ:ખ જીરવવાનું બળ મળે એ માટે ‘કવિલોક’ની અંતરતમથી
પ્રાર્થના.
નોરીશ નામે હોલ
વર્જિનિયા ટૅકના વિદ્યા મંદિરે નોરીશ નામે હોલ
સરસ્વતી તારા શિષ્યે પેન તજી પકડી પિસ્તોલ
મુખડું ખોલ - આવું કેમ બન્યું કાંઈક તો તું બોલ
મેલી મુરાદો ડગલે પગલે એ પાગલે પણ ખોલી
ઉપરીનાં ઉપલક પગલાં કે ધમકી જાણી પોલી?
મુખડું ખોલ - આવું કેમ બન્યું કાંઈક તો તું બોલ
ડહાપણ દાઢ એ શિષ્યની કાઢવામાં તેં કરી દેરી
રક્ત એથી આરોગી તોડી એણે બત્રીસ બત્રીસી
મુખડું ખોલ - આવું કેમ બન્યું કાંઈક તો તું બોલ
બાલ યુવાનને મન માનવ આજ રમકડાંને તોલ
વીડિયોગેમ શી ગમ્મતે બંદૂક છોડે કાંકરાને મોલ
મુખડું ખોલ - આવું કેમ બન્યું કાંઈક તો તું બોલ
ટીવી રેડિયો ઈંટરનેટ પીટે ઢંઢેરો વગાડીને ઢોલ
ભુલકાં ભુલ કરશે ફરી દેખી આ સાંત્વનનો ડોળ
મુખડું ખોલ - આવું કેમ બન્યું કાંઈક તો તું બોલ
ગુરુ ના મારી શકે ધોલ ને શિષ્યો ફોડે પિસ્તોલ
સ્વાતંત્ર્ય નામે જ્ઞાનદેવી તું શું કરે આવો તોલ?
મુખડું ખોલ - આવું કેમ બન્યું કાંઈક તો તું બોલ
દિલીપ ર. પટેલ
ઓરેન્જ, કેલીફોર્નિયા
ખાણી
પીણી દે દર્દની લ્હાણી
ખાણી પીણી દે દર્દની લ્હાણી
(છંદ:
મંદાક્રાંતા)
ખાઈ પીને કસરત વિના માણતાં લોક ભોગો
રિધ્ધિ સિધ્ધિ રહન-સહને આવતા થોક રોગો
ક્ષુધા વિના જઠર ગટરે નાખતા માલ ખોટો
પાકા ભાણે ઉદર ભરીને નાચતા ફોક યોગો
ઠાંસીને લે મધુરસ જગા હો જરી હોજરીમાં
ખાંસી એ દે જલદ રસ થૈ દર્દ આણી દઝાડે
ફૂગ્ગો ફૂલી દબદબ કરે વા છૂટો ના જ થાયે
હાંફી હાંફી ચુરણ લઈને શૌચ વિધિ પતાવે
મેદસ્વીતા ચય અપચયે વિકૃતિ જુઓ આણે
કોલેસ્ટેરો લ દિલ દર્દ દૈ થાય ભેગી નશોમાં
હાઈ બી પી દરદ લકવો થૈ પિંડને પ્રજાળે
ડાયાબીટીસ લહુ મધુ દે; જીન્દગી ખાટી ભાળે
જીવે ખાવા વિષયવિષ ને ઈન્દ્રિયોથી મરેલા
સત્વ છોડી રસ બસ ગ્રહે ખાંડ મેદે ભરેલા
નાડી ભાગે ઝડપી; પગલાં પિંડ રે માંડ માંડે
તેજસ્વીતા તન મન મહીં લાગતી ના લગારે
ખાણી પીણી શરીર મનને દે દર્દ કેરી લ્હાણી
કાયા માયા વિષય લભતાં જાનનું થાય પાણી
મિતાહારે સંતુલિત જમી દેહની શુધ્ધિ આણો
પ્રવૃત્તિમાં રત રહી સહુ શતાયુ સિધ્ધિ માણો
દિલીપ ર. પટેલ
