ચન્દ્રકાંત શાહ (Chandrakant Shah)

Go to fullsize image

( વિશેષ માહિતી માટે કવિશ્રીની જ  www.narmad.com વેબસાઈટની મુલાકાત અવશ્ય લેશો)  

કવિ સંપર્ક: To contact Poet: C420@ comcast.net

ગુજરાતી નાટ્યક્ષેત્રમાં ઓતપ્રોત એવા ‘ચંદુ શાહ’  આધુનિક ગુજરાતી કવિતાના મોટા ગજાના કવિ છે. એમનાં બે કાવ્ય-સંગ્રહો ખૂબ પ્રશસ્તિ પામ્યાં છે.  ‘અને થોડાં સપનાં’ ( ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક વિજેતા) અને ‘બ્લુ જીન્સ’ (જે ઈંગ્લિશમાં પણ રૂપાંતરિત થયેલ છે) 

Go to fullsize image          

રિઅરવ્યૂ મિરર

( અમેરિકન જીવન જીવતા કે જાણતા વાચકને કવિના ‘રિઅરવ્યૂ મિરર’માં પોતાની જાત દેખાશે અને વિસ્મય પામશે કે આને ‘રિઅરવ્યૂ મિરર’ કહેવો કે ‘રિઅલવ્યૂ મિરર’ !  - હરનિશ જાની અને ઉત્તમ ગજ્જર ‘ઈ-મહેફિલ’ સામયિકના સૌજન્યથી, અમેરિકન ગુજરાતી કવિતાની પ્રતિનિધિ કૃતિ આપની સમક્ષ અત્રે રજૂ કરતાં કવિલોક.કોમ અતિ આનંદ અનુભવે છે. )       

         

રિઅરવ્યૂ મિરર, આ આંખ અને ડામરના રસ્તાનો ટ્રાયેન્ગલ

રિઅરવ્યૂ મિરરમાં જોવાનું આટલું ગણિત

અને એ જ એનો એન્ગલ..

      

રિઅરવ્યૂ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું

ઘડી ઘડી સ્હેજ સ્હેજ  જોવાનું

જોવાનું એટલું કે-

આપણું હતું જે બધું, એ હવે આપણું ન હોવાનું..

        

આપણે હતાં

ને હતું ટુ-કાર ગરાજ હોમ

પા એકર લૉન

પેઈડ ડ્રાઈવ-વે  

ડ્રાઈવ-વે પર રોજ રોજ જીવેલા એક એક દિવસને

ટૉસ કરી,

ટ્રૅશ કરી ફેંકવાને ખૂણામાં રાખેલો ગાર્બેજ-કૅન!

હતું..

થોડી દેશની ટપાલ, થોડી ‘થેંક યુ’ની નોટ્સ.

થોડી જન્ક મેઈલ, ઘણાં બધાં બિલ્સ

અને પબ્લિશર્સ ક્લીયરીંગ હાઉસમાંથી

મિલ્યનેઅર બનવાનાં રિમાઈન્ડર્સ આવતાં

એ સ્હેજ કાટ ખાધેલાં પતરાંનું મેઈલ-બોક્સ! 

બોક્સ ઉપર શેલત કે શાસ્ત્રી કે શુક્લા, શ્રીમાળીની શાખ.

સ્ટીકર્સથી ચોંટાડેલ

ઘર નંબર ચોર્યાસી લાખ…

          

એક સાઈકલ હતી ને હતો બાસ્કેટ-હૂપ!

પાનખર હતી પાંદડાંય હોવાનાં

તથા વીતેલી જીંદગી પડી હો એમ વીંટલું વળી પડેલ

તૂટેલો હોઝ-પાઈપ જોવાનો

મેઈન ડોર પર કોઈ સીક્યુરીટીનું લેબલ પણ હોવાનું

શુભલાભ કંકુના થાપા કે ભલે પધાર્યાને ઠેકાણે

‘રીથ’ જેવું લટકણીયું જોવાનું.

જોવાનું એટલું કે

આપણે હતું જે બધું એ હવેથી આપણું ન હોવાનું..

      

આપણે હતાં

ને હતા ટેલીફોન-કોલ્સ

લોન્ગ ડિસ્ટન્સના ટૂંકા અને લોકલના લાંબા

અડધી રાતે તે બધા ઈન્ડિયાના

અને કોઈક - ફ્રી ટીવી ઓફર કરનાર ટાઈમ-શેરીંગના.. 

    

ટીવી પર રોજ હતું ‘વ્હીલ ઑફ ફોર્ચ્યુન’

પછી ફરતી’તી લાઈફ રોજ

ડ્રાયરમાં, વૉશરમાં અને ડીશ-વૉશરમાં

ફ્રીજ થકી જેમ હતું ફ્રોજન ખાવાનું

એમ રિઅરવ્યૂ મિરરમાં દેખાતું બધ્ધું

એક દિવસ આંખોમાં જડબેસલાક ફ્રીઝ થાવાનું..

            

રિઅરવ્યૂ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું

ઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનું

જોવાનું એટલે કે-

આપણું હતું જે બધું, એ હવેથી આપણું ન હોવાનું..

     

મેઈન મેઈન જોવાનાં

ઈન્શ્યોરન્સ કંપનીનાં હોર્ડીંગ્ઝ

મોરગેજ આપનાર બેંકનું મકાન

ઈમ્પોર્ટેડ ગાડીના ડીલરની ઝગમઘતી સાઈન

એને વર્ષોથી ઈક્વીટી સ્ટૉક જેના લઈને રાખ્યા છે

એ બ્લ્યુ ચીપનું સ્કાયસ્ક્રેપ બિલ્ડીંગ 

      

ટોટલ એક્વીટી નેટ વર્થ અને વંકાતા રસ્તાનો ટ્રાયેન્ગલ 

આપણું હતું એ બધું ખોવાનું આટલું ગણિત

અને એ જ એનો એન્ગલ.. 

      

રિઅરવ્યૂ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું

ઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનું

જોવાનું એટલે કે-

આપણું હતું જે બધું, એ હવેથી આપણું ન હોવાનું..

       

આપણે હતાં

ને હતું ટુ-કાર ગરાજ હોમ

ડિઝાઈનર કિચન

કિચનમાં ઈન્ડિયાથી લાવેલી

સોળ આની શુધ્ધ એક જાણીતી માનીતી,

કોરી ને કટ્ટ, સાવ પેટીપૅક, બ્રાન્ડ ન્યુ પત્ની!

       

આપણોય પોતાનો મારિયો હતો

ને હતા મારિયો બ્રધર્સ

કોઈક કોઈક મારિયોને સિસ્ટર હતી

તો હતી ક્યાંક ક્યાંક મારિયો સિસ્ટર્સ

એક એક મારિયોના પોતાનાં આઈ-પૉડ

સિસ્ટર્સને દેશી વેડિંગ સ્ટાઈલ પરણવાના કોડ.

     

ઈન્ડિયાની નોસ્ટાલ્જિક વાતોથી ઘડી ઘડી ઉખડી જતાં છતાંય

આપણે તો યુનાઈટેડ સ્ટેઈટ્સને જ ચોંટેલા એમ.

જેમ ફ્રીજ ઉપર ચોંટેલાં મેગ્નેટ્સ!

     

મેગ્નેટ્સમાં..

‘હેરી પોટર’થી માંડીને હતાં

તાજમહાલ

એલ્વિસ

બડવાઈઝર

‘મુન્નાભાઈ’

‘હમ આપકે હૈં કૌન?’

નમો અરિહંતાણં

માયસ્પેસ ડૉટ કૉમ

શિકાગો બુલ્સ

તથા

માઈકલ જૉર્ડન

અને તીહુઆના ખાતે પડાવેલો

પરસેવે રેબઝેબ, મેક્સિકન ટોપામાં આપણો જ ફોટો

       

ફ્રીઝ ઉપર ચોંટેલાં મેગ્નેટ્સ હતાં

ને હતી

મેગ્નેટ્સમાં ચોંટેલી ફેમિલી લાઈફ..

       

ગ્રોસરીનું લીસ્ટ

થોડી પિઝાની કૂપન

નેટફ્લીક્સનું ડીવીડી મેઈલર

દેશી રીયલ્ટરનો ફોટો ચોંટાડેલ 

કોલ્ડવેલ બેંકરનું નાનું કેલેન્ડર

       

એક ડેન્ટિસ્ટનું એપોઈન્ટમેન્ટ-કાર્ડ

એક મ્યુઝિકલ પાર્ટીનું

અને એક ક્રેયોનથી દોરેલું, ‘હેપી મધર્સ ડે’ લખેલું

ઓફિસના એક્સ્ટેન્શન

મમ્મીનો કાર-ફોન

એક કોઈક અંકલનો ફોન

એક આન્ટીનો ફોન

તથા

એલાસ્કન કૃઝ માટે ટોલ-ફ્રી, ‘વન-એઈટ-હન્ડ્રેડ-કાર્નિવલ-’

મારિયોનું સોકર-સ્કેજ્યુઆલ

એની સિસ્ટરની ‘લક્રોસ’ની ગેઈમ

મૅક્ડોનાલ્ડ ‘હેપી-મીલ’ નાઈન્ટીનાઈન સેન્ટ 

એક લોકલ છાપાનું કટિંગ

તથા

ટીચરની સહીવાળું સર્ટિફીકેટ ઑફ મેરીટ ઈન મેથેમેટિક્સ

       

આ બધું હતું

ને હતો

‘કે-માર્ટ’ની ડિસ્કાઉન્ટ ઑફરમાં પડાવેલો

એકવીસ કૉપીમાંથી દસ બધે ઈડિન્યામાં મોકલી દીધેલી

ને બાકીની દસ

ક્યાંક ઘર પછી ઘર પછી ઘર મુવ કરવામાં મિસ્પ્લેસ થયેલી

તે છેલ્લો બચેલ એક

યન્ગ હતાં ત્યારનો જ ફેમિલી ફોટો!

       

આપણે હતાં

ને હતું

પિક્ચર પરફેક્ટ એક ફેમિલી.

      

બુધ્ધ નામ ગૌતમ, એક ઘર અને પથરાતા રસ્તાનો ટ્રાયેન્ગલ

ભિનીષ્ક્રમણને આદરવાનું આટલું ગણિત

અને એ જ એનો એન્ગલ 

રિઅરવ્યૂ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું

ઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનું

જોવાનું એટલે કે-

આપણું હતું જે બધું, એ હવેથી આપણું ન હોવાનું..

           

આપણે હતાં ને હતું ટુ-કાર ગરાજ હોમ

ઢગલાબંધ રૂમ્સ

         

એક શ્વાસ લેવાનો રૂમ

એક ઉચ્છવાસ કાઢવાનો રૂમ

એક્સવાયઝેડ રૂમ

‘વ્હાઈટ બ્લ્યુ ને રેડ’ રૂમ, બેડરૂમ

બેડરૂમમાં બાથરૂમ એટેચ્ડ

એક સોફા હતો-

ને હતાં સોફામાં આપણે એટેચ્ડ

પછી આપણને કંઈ કેટકેટલું એટેચ્ડ!

     

યુએસએ આવ્યાં તે વેળાનું

ઈમ્પોર્ટેડ એકાંત

હાઈ-ટૅક અગવડતા

ઑડ જોબ માટે પણ માઈલો ચાલવું

ને ખૂણામાં બેસીને આંસુનું સારવું

પછી

પહેલો પે-ચેક

અને પહેલું સિક્સ-પૅક

આલ્વેશન આર્મીનું બ્લેઝર

ને પહેલવહેલી ગાડીનું પ્લેઝર..

    

એ પછી તો-

ટાયરની જેમ કરી

કાર ચેઈન્જ 

હાઉસ ચેઈન્જ

ઑઈલ ચેઈન્જ

જૉબ ચેઈન્જ

ફોન ચેઈન્જ 

ફ્રેન્ડ્ઝ ચેઈન્જ

એટીટ્યુડ

આઉટલૂક

ઓપીનિયન

એક્સેન્ટ 

બઘ્ઘે બધ્ધું જ..

   

એક ઈન્ડિયાનું વેકેશન, વીડિયોની મેમ્બરશીપ,

વાઈફ અને ‘વફા’ના પાતરાનાં ડબ્બા સિવાય

લગભગ બધ્ધે બધ્ધું જ ચેઈન્જ કરી કરી

આપણને ખૂબ ખૂબ ડ્રાઈવ કરી

આપણા ઉપર આપણે ચડાવ્યા’તા

હન્ડ્રેડ્ઝ ઑફ થાઉઝન્ડ્ઝ ઑફ માઈલ્સ..

       

શું છે આ વીકએન્ડ ટુ વીકએન્ડનું જીવવાનું?

શું છે આ રોજ રોજ મરવાનું?

શું છે આ ‘લાઈફ’ જેવો અંગ્રેજી શબ્દ?.. 

    

રિઅરવ્યૂ મિરરમાં દેખાતા

કોઈ ગ્લાસ બિલ્ડીંગમાં

આપણને દેખાતો

આપણાથી દૂર જતો

આપણો જ રિઅરવ્યૂ મિરર?

   

રિઅરવ્યૂ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનું

ઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનું

જોવાનું એટલે કે-

આપણું હતું જે બધું, એ હવેથી આપણું ન હોવાનું.. 

        

શ્વાસોમાં, સ્પર્શમાં, સુગંધોમાં, સ્વાદોમાં,

આંખો, અવાજોમાં, દ્રશ્યોમાં, રંગોમાં,

ઘાસમાં, પ્રકાશમાં, પતંગિયાની પાંખોમાં,

ધોધમાર તડકાઓ, ઝીણા વરસાદમાં,

પરોઢિયાનાં ધુમ્મસમાં, વ્હેલી સવારના કલ્લોલમાં

વાણીમાં અને લહેરપાણીમાં

ઓચિંતુ - સિનીયર સીટીઝન ડિસ્કાઉન્ટ?

     

થર્ડ લાઈટ પર લેફ્ટ મારો,

ફોર-વે, ફોર્ક, રાઉન્ડ-અબાઉટ, ડેડ એન્ડ!

પાસ ગેસ સ્ટેશન ઓન રાઈટ

છેલ્લો માઈલસ્ટોન

       

એક વ્હાઈટ ચર્ચ પાસે છે સ્ટોપ સાઈન!

ગયાં વર્ષો - ડિરેક્શન આપવામાં

વર્ષો - ડિરેક્શન લેવામાં

     

લેવાના -

અંત જેના જોઈ ના શકાય તેવા હાઈ-વે 

અંધારું ઓઢીને ઉભેલા ફ્રી-વે

જોવાનાં-

જીન્દગીમાં લેવાની રહી ગયેલ એક્ઝીટનાં પાટીયાંનાં પતરાં

પણ-

લેવાની અંતે તો -

દૂરથી જ દેખાતા

આપવાને આવકારો મીઠો

અસ્પતાલ જનારાના સ્વાગતમાં ઉભેલા

અંગ્રેજી ‘એચ’વાળા બ્લ્યુ રંગના બોર્ડ ઉપર

દોરેલા ઍરોની દિશામાં વંકાતા રસ્તાની એક્ઝીટ

     

કોનું છે વાયરિંગ ?

કોણે બનાવી છે આ સ્વીચ ?

સાવ ‘ઓન’ માણસ કેમ એકાએક થઈ જાતા ‘ઓફ’ ?

        

ખંભા પર માણસ, સ્મશાન અને ઓગળતા રસ્તાનો ટ્રાયેન્ગલ

એ પછી આપણે ‘ન’ હોવાનું આટલું ગણિત

અને એ જ એનો એન્ગલ

રિઅરવ્યૂ મિરર, ખુલ્લું આકાશ અને ડામરના રસ્તાનો ટ્રાયેન્ગલ… 

        

“મારે જો અમેરિકામાં રચાયેલી સમગ્ર ગુજરાતી કવિતામાંથી માત્ર એક જ કૃતિની પસંદગી કરવાની હોય, માત્ર શુધ્ધ કાવ્યતત્ત્વની દ્રષ્ટિએ નહિ, પણ કાવ્યના વસ્તુની દ્રષ્ટિએ, જેમાં અમેરિકન સંસ્કૃતિનું, અમેરિકાના દૈનંદિન જીવનનું પ્રતિબિંબ હોય, જેમાં અમેરિકાની જીવનશૈલીની સાથે અહીં સ્થિર થયેલા વસાહતી ગુજરાતીઓની રહેણીકરણીનું વિચિત્ર વિલક્ષણ વર્ણસંકર મિશ્રણ હોય, અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ જીવન હોય, ઘરઝુરાપો હોય અને અલબત્ત અમેરિકન અંગ્રેજી રૂઢપ્રયોગો અને શબ્દોની ભરમાર હોય તો હું ચન્દ્રકાંત શાહ નું ‘રિઅરવ્યૂ મિરર’ પસંદ કરું. ગુજરાતી કવિતાના વૈશ્વિક મિલનમાં અમેરિકન ગુજરાતી કવિતાની પ્રતિનિધિ કૃતિ તરીકે હું ‘રિઅરવ્યૂ મિરર’ પસંદ કરું”. - શ્રી મધુસુદન કાપડિયા ( પન્ના નાયકથી કૃષ્ણાદિત્ય, અમેરિકાવાસી ગુજરાતી કવિ-સર્જકો: એક સમીક્ષા ગુજરાત ટાઈમ્સ સપ્ટેમ્બર 22, 2006)