યોસેફ મેકવાન (Yoseph Mekwan)

કવિનું મૃત્યુ

આંગણામાં
સોનચંપાની ઝૂકેલી ડાળ પર,
બુલબુલ રહ્યું રેલાવતું નિજ સ્વર !

વાતાવરણમાં જેમ વ્યાપે ધૂપ
એ રીતે હું ચૂપ
ડૂબ્યો’તો ગાનમાં તલ્લીન -
કે ન’તું મારું ય મુજને ભાન,

કેટલાં વર્ષો પછી નબકી રહ્યું મુજ નેણમાં
આદિમ મારું ગાન!
વન્ય પ્રકૃતિ બધી
મુજ અંગ પર ફરકી રહી…
આ શ્હેરના વાતાવરણની કાંચળી
જાણે હળુ ઊતરી રહી…

ત્યાં રેડીયોમાં ગીત કો’ ફૂટ્યું
- પડોશીના ઘરે
એના સ્વરે
મૌન તૂટ્યું ઓરડાનું
- ને થયું મૃત્યુ કવિનું !

- યોસેફ મેકવાન