મુક્તકો-’સૈફ’ પાલનપુરી (’Saif’ Palanpuri)

અર્થ

મીંચેલી આંખે મળ્યો જ્યારે જાગરણનો અર્થ,
ત્યારે ખબર પડી કે છે શું આવરણનો અર્થ.

સંકોચ શું છે એની ખરી ત્યારે જાણ થઇ,
મૃગજળને જઇને પૂછ્યો મેં વહેતાં ઝરણનો અર્થ.

આબોહવા તો હોય છે – આબોહવાનું શું?
વાતાવરણ જો હોય તો વાતાવરણનો અર્થ ?!

છેવટનો અંત આવી ગયો સૌ પ્રયાસનો,
મારી નજીક એ જ છે મંગળાચરણનો અર્થ ?

નિષ્ઠુર છું – હું ચાહું તો તો હમણાં હસી શકું,
પણ એમાં દિલ ન લાગે તો શું આચરણનો અર્થ?

છૂટા પડી ગયા તો સમજદાર થઇ ગયા,
સમજી ગયા કે શું હતો એકીકરણનો અર્થ.

સ્વપ્નાની વાત કોઇને કહેતા નથી હવે,
સમજી ગયા છે ‘સૈફ’ હવે અવતરણનો અર્થ.

- સૈફ પાલનપુરી


ગઝલ

કદી  વસ્તીભર્યું  લાગ્યું  કદી  વેરાન  વન  જેવું,
જવાનીમાં જીવન પર થઈ શક્યું ક્યાં કંઈ મનન જેવું.

સૂરજ ઊગ્યો છે લાવો થોડી શબનમ હું ય વરસાવું,
તમારી યાદ  રૂપે છે   હ્રદયમાં કંઈ સુમન જેવું.

કોઈ જો સહેજ  છેડે છે તો  એ શરમાઈ  જાએ છે,
તમે દિલમાં વસ્યા તો થઈ ગયું દિલ પણ દુલ્હન જેવું.

તમે રિસાતે  ના તો  પાનખરનો  ક્રમ ન જળવાતે,
અમારી  ભૂલ કે  દિલને  સમજાવ્યું’તું  ચમન  જેવું.

હવે તો  ’સૈફ’  ઈચ્છા  છે કે  મૃત્યુ  દ્વાર  ખખડાવે,
ઘડીભર  તો  મને  લાગે  કોઈના  આગમન  જેવું.

‘સૈફ’ પાલનપુરી

મુક્તકો

     

દિલને ગમતીલો કોઈ ઘાવ ઘેરો ન મળ્યો

માત્ર  એકાંત  મળ્યું  કોઈ ઉમેરો ન મળ્યો

આપણા યુગનું આ કમભાગ્ય છે કેવું ભારે!

કે ગયા ચાંદ સુધી ને કોઈ ચ્હેરો ન મળ્યો 

              

કાળા વાદળના જીગરમાંયે  સુજનતા આવી

અને પથ્થર જેવા  પથ્થરમાંયે ગંગા આવી

આવા દિલવાળા બધા દ્રશ્યોને મૂંગા રાખ્યા

અને  માનવને  પ્રભુ  હાય! તેં  વાચા આપી

            

રૂપને  રૂપની  તલસ્પર્શી  સમીક્ષા  ક્યાં છે ?

હસતાં હસતાં જે સહન કરતા’તા શિક્ષા ક્યાં છે ?

ઓ જવાની  એ  બધાં  તારાં  હતાં તોફાનો

જીવ  લેનારી  હવે  કોઈ  પરીક્ષા  ક્યાં છે ?

                    

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે

કોઈ રડીને દિલ બહેલાવે છે

કોઈ   ટીંપે   ટીંપે   તરસે છે 

કોઈ જામ  નવા છલકાવે છે

સંજોગનાં પાલવમાં  છે  બધું

દરિયાને  ઠપકો  ના આપો

એક તરતો માણસ ડૂબે છે 

એક લાશ  તરીને આવે છે 

             

હતી દ્રષ્ટિ પરંતુ એમાં કાંઈ રંગીનતા નો’તી

હ્રદય શું છે મને એ વાતની કાંઈ કલ્પના નો’તી

તમારા સમ તમે આવ્યા જીવનમાં એની પહેલાં તો

પરીઓની  કથાઓ  પર  જરાયે આસ્થા નો’તી

      

‘સૈફ’ પાલનપુરી