ગીત - નીલેશ રાણા (Nilesh Rana)

આજ મને વાગી ગઈ ધુમ્મસની ધાર,
તોય મને દેખાતું બધું આરપાર.

સ્થળને ને જળને મેં વ્હેરાતાં જોયાં
ને જોઈ લીધું પળપળનું તળિયું,
ગોપી એક સંગોપી બેઠી છે ક્યારની
વ્હાલમનું વૃંદાવન ફળિયું.
મારા હોવાની ભાવના સંભાવનાથી
આપું નિરાકારને હુંયે આકાર.

વ્હાલમના વાઘાનું લિલામ કદી થાય નહીં
ને મોરપીંછનાં મૂલ નહીં અંકાય,
વાંસળીના સૂરને ઝીલવા હું જાઉં
ત્યાં યમુનાનાં વ્હેણ આ વંકાય.
તારી ભુજામાં હું ભીંજાતી ભૂંસાતી
હવે જોઈએ નહીં કોઈનો આધાર.

ડો. નીલેશ રાણા
જન્મ: જુન 4, 1947