નટવરલાલ પ્ર.બુચ (Natwarlal P Buch)

(21 ઓક્ટોબર -  1906 ,જાન્યુઆરી 9 - 2000)


મીરાંને આશ્વાસન - ન.પ્ર.બુચ

Filed under: ગુજરાતી કવિતા (Gujarati Kavita) — સુરેશ જાની @ 5:03 am

જૂનું છો થયું,દેવળ,જૂનું છો થયું,
એમાં થઇ શું ગયું?……દેવળ.

ઊડી ગયો હંસલો જો,
પાળી બીજો લેને તો;
અથવા પિંજર બીજાને
દઇ દે —-થયું !…..દેવળ.

દાંતો પડિયા જો તારા,
દાંતના દાક્તર સારા,
શેરી ગલિયુંમાં એની
દુકાનું થિયું. …….દેવળ.

પ્રેમપ્યાલો ના કિન્તુ
ચાહનો પ્યાલો પી તું.
નટવર નાગર કે’ તારું
દુ:ખ, તો ગીયું. …….દેવળ.

ન.પ્ર.બુચ

( મીરાંબાઇની પ્રસિધ્ધ રચનાનું પ્રતિકાવ્ય )

આ કાવ્ય ટાઇપ કરીને મોક્લવા માટે શ્રી. જુગલ કિશોર વ્યાસનો આભાર.


શક્તિધામ –ન.પ્ર.બુચ

(મંદાક્રાન્તા)

મેં હોટેલો મહીં જઈ જઈ પેય કૈં ચાખી જોયાં,
કોફી,કોકો,અવલટિન મેં મોં મહીં નાખી જોયાં;

ઠંડાં પીણાં પણ કંઇંક તું સાથ મેં સાંખી જોયાં,
ઊનાં-ટાઢાં ઘર મહીં ઘણાં પેય મેં રાખી જોયાં;

કોકો કેરી નરી મધુરતા માંહીં ના સ્વાદ આવે,
ને કોફીની કટુ મધુરતા લેશ મુને ન ભાવે,

ઠંડાં પીણાં નહિ તનમને જોઇતી હુંફ લાવે,
પીણાં હીણાં અવર સઘળાં માહરે કામ ના’વે.

મા-શી તારી મધુર કટુતા સ્તન્ય શી પોષનારી,
પીને પામી બળ,પ્રથમ હું, શૈશવે ભોંય રીખ્યો;

‘મા! ચા પા . ’થી વિનયનવિધિ યે શરૂ થૈ છ મારી
હુંફે તારી રહી વિવિધ વિદ્યાકળાઓ હું શીખ્યો;

મોળાં ધ્યેયો સમ અવર પેયો બધાં છે નકામ;
શ્રધ્ધા મારી દ્રઢ થઇ છ,ચા,તું જ છે શક્તિધામ.

– ન.પ્ર.બુચ
( સ્વ.કરસનદાસ માણેકના કાવ્ય ‘તીર્થધામ’ નું પ્રતિકાવ્ય )

આ કાવ્ય ટાઇપ કરીને આપવા માટે અમદાવાદના શ્રી. જુગલ કિશોર વ્યાસનો આભાર.

નટવરલાલ પ્ર.બુચ - ગુજરાતી સારસ્વત પરિચય